વાપીના અજિત નગરનો રોહન વાઘેલાની ભારતીય વિકલાંગ ક્રિકેટ ટીમમાં પસંદગી.
ઇંગ્લેન્ડ ખાતે રમાનારી 5 ટી 20 મેચમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી એક માત્ર ખેલાડી રોહનની પસંદગી કરાઈ છે.
વાપીના અજીત નગર ખાતે રહેતો રોહન રમેશભાઈ વાઘેલા (ઉ.વ.25) છેલ્લા 6 વર્ષથી ગુજરાત વિકલાંગ ક્રિકેટ ટીમમાં ઓપનર અને રાઈટઆર્મ લેગ સ્પિનર બોલર તરીકે રમી રહ્યો છે. ગુજરાતની ટીમમાંથી સુંદર પ્રદર્શન કરનારા રોહન વાઘેલાની ડીસેબલ ક્રિકેટ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા આગામી તા. 28જાન્યુ.થી 6 ફેબ્રુઆરી સુધી ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ ટી 20 મેચ માટે જાહેર કરાયેલા 20 ખેલાડીઓની યાદીમાં સમાવેશ કરાયો છે. નાગપુર ખાતે યોજાનારા કેમ્પમાં અંતિમ 16 ખેલાડીઓની પસંદગી કરાશે. વાપીના રોહન વાઘેલાની ભારતીય વિકલાંગ ક્રિકેટ ટીમમાં પસંદગી કરાતા ગુજરાત અને વલસાડ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતમાંથી એક માત્ર ખેલાડી રોહનની પસંદગી કરાઈ છે.
ગુજરાત સમાચાર સાથે રોહન વાઘેલાએ વાતચીતમા આનંદવિભોર બની જણાવ્યું કે ઈંગ્લેન્ડ સામે મને ટી 20 મેચ રવાનો મોકો મળશે તો હુ ભારતીય ટીમ માટે મારી તમામ તાકાત લગાવી સુંદર પ્રદર્શન કરીશ. વધુમાં તેણે નડિયાદ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરેલા પ્રદર્શનથી ગુજરાત વિકલાંગ ક્રિકેટ ટીમના કેપ્ટન આસીત જયસ્વાલ ખૂબજ પ્રભાવિ થયા હોવાનું કહી છેલ્લા છ વર્ષથી ગુજરાતની ટીમમાં રમી રહ્યો છે. તેણે ઓક્ટોબર 2023માં ઉદમપુર ખોત રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્તરાખંડ સામે 4 ઓવરમાં 6 રન આપી 5 વિકેટ મેળવી કારકિર્દીનું સૌથી સુંદર પ્રદર્શન કર્યું હતું.
રોહન પરિવારનું ભરવા પોષણ માટે પાર્ટ ટાઈમ નોકરી કરી બપોર બાદ નેટ પ્રેક્ટિસ કરે છે.