Valsad: વલસાડના પારનેરા ગામની શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, વિદ્યાર્થીઓ માટે હોલનું ઉદઘાટન કરાયું.
વલસાડ તાલુકાના પારનેરા ગામની સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અતુલ કંપનીના જનરલ મેનેજર (યુટિલીટી એન્ડ સર્વિસીસ) ગૌતમભાઈ દેસાઈના મુખ્ય અતિથિ વિશેષ પદે દેશભકિતના માહોલમાં થઈ હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે હોલનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું.
શાળાના પટાંગણમાં ઉજવાયેલા પ્રજાસત્તાક પર્વે ગૌતમભાઈએ ધ્વજવંદન કરી ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ દેશની આન,બાન અને શાન સમાન ત્રિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે ગૌતમભાઈએ પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવી બંધારણની રચના કેવી રીતે થઈ તેની રસપ્રદ માહિતી આપી જણાવ્યું કે, દેશના ઘડતરમાં બંધારણના ઘડવૈયાઓનું જે મહત્વ હતું તેટલું જ મહત્વ બાળકોના ઘડતરમાં શિક્ષકોનું છે. વધુમાં શ્રી દેસાઈએ સ્વતંત્ર પર્વથી ગણતંત્ર પર્વ સુધીની ૩ વર્ષની સફરની ગાથા સમજાવી હતી. તેમણે આ દિવસને રજાના દિવસ તરીકે નહીં પરંતુ શહિદોના ત્યાગ અને બલિદાનના દિવસ તરીકે મનાવવા માટે જણાવ્યું હતું.
આ પ્રસંગે વલસાડ વિભાગ લોક સેવક સંઘના પ્રમુખ રાજેશ છીબુભાઈ પટેલ, ગામના સરપંચ ભરતભાઈ પટેલ, શાળાના આચાર્ય કિરીટભાઈ પટેલ, વલસાડ પ્રગતિ મંડળ ટ્રસ્ટના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામના શિક્ષિકા સ્વ. મણીબેન પટેલના સ્મરણાર્થે શાળાના હોલના બાંધકામ માટે રૂ. ૧,૫૧,૦૦૦નું દાન આપનાર તેમના પતિ મોહનભાઈ પટેલના હસ્તે હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૯ જાન્યુઆરી