વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

SB KHERGAM
0

 વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

આ ધરતી પર મનુષ્ય માત્ર એક એવો જીવ છે જેણે પોતાની સભ્ય સંસ્કૃતિ વસાવી છે, પરંતુ આ જ માનવીએ પોતાનું ઘર કહેવાય એવી ધરતીનું નખ્ખોદ વાળ્યું છે. પ્લાસ્ટિકનો વપરાશ, ગમે તેવો કચરો, વૃક્ષોનું નિકંદન અને કેમિકલનો ઉપયોગ કરીને પૃથ્વીને અપાર નુકસાન પહોંચાડયું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ બધાનો ઇલાજ પણ મનુષ્ય પાસે જ છે. આવું જ કંઇક વિચારીને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામના એક પરિવારે પૃથ્વી અને પર્યાવરણને સાચવવાનું બીડું ઝડપ્યું છે, અને અન્ય લોકો માટે પ્રેરણા બને તેવું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ પરિવાર અને ગ્રામજનોએ જંગલોમાંથી ૩૫ લાખ જેટલા લુપ્ત થતાં અને લોકોને ઉપયોગી એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી તેને સિડ્સ બોલ બનાવ્યા છે અને તેને રોપવાની શરૂઆત કરશે.

તિતવા ગામના એન્જિનિયર યુવક ઉત્પલ ચૌધરીએ ગ્લોબલ વોર્મિંગને કઈ રીતે ઓછી કરી શકાય તે માટે ઘણા પુસ્તકો વાંચ્યા અને વૃક્ષો રોપવાની પ્રેરણા મળતા તેની શરૂઆત કરી. આ અંગે ઉત્પલ ચૌધરીએ કહ્યું કે જે રીતે વાતાવરણ હવામાન અને ઋતુઓમાં ફેરફાર થઇ રહ્યા છે તે જોતા હવે આપણે જાતે જ આનું નિરાકરણ પણ લાવવું પડશે, અને એ માટે માત્ર હું જ નહી મારું પૂરું પરિવાર મારા બાળકો અમારી પાંચ પેઢીના લોકો અને ગામજનો આ તમામે મળીને છેલ્લા બે વર્ષથી તાપી જિલ્લાના અલગ અલગ જંગલોમાં જઈને ૩૫ લાખ કરતા વધુ બીજ એકત્ર કર્યા છે. અને એવું પણ નથી કે કોઈ પણ વૃક્ષ ગમે ત્યાં વાવી દેવું, અમે એવા બીજ ભેગા કર્યા કે જે વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે, અને લોકોને ઉપયોગી છે. જે લોકો પણ આ સીડ્સ પોતાના ગામમાં કે જંગલોમાં ઉગાડવા માંગતા હોય અમે તેમને આપીશું અને સાથે અમે પણ આ કાર્ય કરીશું.

ઉત્પલ ચૌધરી દ્વારા શરૂ કરાયેલા આ યજ્ઞમાં જોડાયેલા સેજલબેન ગરાસીયાએ કહ્યું કે એક માતા તરીકે હું મારા બાળકોને શું આપી શકું એવો વિચાર આવ્યો, ત્યારે મેં વિચાર્યું કે હું મારા બાળકોને ભણતરની સાથે સાથે સારું અને સ્વચ્છ વાતાવરણ આપી શકું તે ઘણું મહત્વનું છે અને તેથી જ અમે આ કાર્યમાં જોડાયા. ઘણા બાળકોને પણ આમાં જોડ્યા છે. હું કેમિકલ એન્જિનિયર છું એટલે તેના સાઇડ ઇફેક્ટથી સારી રીતે પરિચિત છું. અને એટલે જ હાલ વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે. તિતવા ગામની દરેક ગૃહિણી હાલ વૃક્ષોને ઉગાડવાનાં કાર્યમાં જોડાઇ છે. સાથે સાથે આ શુભ કાર્યમાં બાળકો પણ જોડાયા છે.

ભલે પરિવાર નાનું હોય.! સંખ્યા ઓછી હોય..! પરંતુ આ પરિવારનો જે વિચાર છે તે પૃથ્વી પર વસતા તમામ માનવો માટે એક દિશા સૂચક પ્રેરણા કહી શકાય. જો ધરતી પરના તમામ પરિવારો જો આ રીતે કાર્ય કરતા રહે તો ોડા વર્ષોમાં ધરતી માતા તેના અસલ સ્વરૂપમાં આવી જાય તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top